શનિવાર, 10 મે, 2014

ફૂલો લીલા કે કાળા રંગનાં કેમ નથી હોતાં?


વનસ્પતિનાં પાન લીલાં હોય છે પરંતુ લીલા રંગના ફૂલો ક્યાંય જોવા મળતાં નથી. વનસ્પતિનો દરેક ભાગ ફૂલ, ફળ, કળી કે થડ તેમાં રહેલાં રંગીન દ્રવ્યકણોને કારણે વિવિધ રંગના હોય છે. પાનનો રંગ ક્લોરોપ્લાસ્ટ દ્રવ્યને કારણે લીલો હોય છે પરંતુ ફૂલોમાં ક્રોમોપ્લાસ્ટ નામનું દ્રવ્ય હોય છે તે વિવિધરંગી હોય છે. કેટલાંક ફૂલોમાં એકપણ રંગદ્રવ્ય હોતું નથી તેવા ફૂલ સફેદ હોય છે.
ફૂલનું મૂળભૂત કામ પરાગનયન માટે પતંગિયાં અને જીવડાંઓને આકર્ષવાનું છે. એટલે તે તેજસ્વી રંગનાં અને રંગબેરંગી હોય તે જરૃરી છે. લીલા રંગનું ફૂલ પાન વચ્ચે દેખાય જ નહીં. રાત્રે ખીલતાં ફૂલો સફેદ હોય છે અને અંધારામાં પણ દેખાય તેવાં હોય છે. ફૂલને રંગની સાથે સુગંધ પણ હોય છે. આમ ફૂલનું મૂળભૂત કામ સારી રીતે થઈ શકે તે માટે કુદરતે તેને આકર્ષક રંગના બનાવ્યાં છે.
તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ફ્રાન્સના વિજ્ઞાનીઓએ પ્રયોગશાળામાં લીલા રંગનું ગુલાબ ઉગાડયું છે. કાળા રંગના ગુલાબ ઘણા સ્થળે સફળતાપૂર્વક ઉગાડાય છે.